Welcome to Great kathiyawad
Great Kathiyawad
By Gautam Kotila

“ગાયવાળા બાપુ” – નાનાભાઇ હ. જેબલિયા

લ શહેરની શેરીઓમાં, બજારોમાં, ગલીઓમાં, ખાંચાખૂંચી… અને વાડે પછવાડે, કંતાનધારી એક સાધુ. ચાર પૈડાંની રેકડીમાં લીલો ચારો ભરીને કોઇ માતા એના બાળકને ખોળવા નીકળી પડે એમ નીકળી પડે છે… ઊંચુ, પહાડી ક્લેવર, પડછંદ અવાજ, પહોળું ચોરસ કપાળ, માથા પર રાફડા જેવો જટાનો ઊભો અંબોડો…..! રેંકડીમાં ભરેલા લીલા ચારામાંથી બન્ને હાથે કોળીઓ ભરતા જાય, હાથ ઊંચા કરતા જાય અને સાદ પાડે : “આ…..લે…..લે…..! આ…..લે…..લે…..!” જનેતાના હેતાવળા બોલાશ સમો એ અવાજ ચારેબાજુ પડઘાઇ ઊઠે અને શેરીઓમાંથી, બજારોમાંથી, ચોકમાંથી, કોઇના ફળીમાંથી ગવતરીઓના રંભારવ ઊઠે અને દોડતા પગની એની ખરીઓથી ગોંડલ શહેરના પાકા રસ્તા ખખડી ઊઠે…..! દોડતી ગાયો એકબીજીને જાણે ઓળખાણ આપે કે “રામગરબાપુ આવ્યા છે, લીલો ચારો લાવ્યા છે…..હાલો…..હાલો…..” ગાયોની સેવા માટે, ખુદ ગાયોનાં પુણ્ય, માણસનો અવતાર ધરીને ધરતી પર અવતર્યાં હોય એવા આ અલગારી સંત, ગાયો માટે જ જાણે શ્વાસ લે છે…..એમનો “આ…..લે…..લે…..” શબ્દ આખા ગોંડલ શહેર ઉપર અમીરાતની વાદળી થઇને વરસે છે જાણે… “આ…..લે…..લે…..” શબ્દ નાનાં બાળકો પણ બોલે અને એના બાળસુલભ અંતરમાં એનો અર્થ બિલકુલ સ્પષ્ટ થઇને ઊગે છે “ આ..લે..લે..” એટલે લીલો ઘાસચારો, ગાયો, કંતાનધારી જટાવાળા સંતોનો ઓડકાર….. સેવા અને પરમાર્થનો બ્રહ્મનાદ…..! ભગવા રંગની આકાશે આંબતી પ્રતિષ્ઠા…..! સાધુતાની ખળખળ વહેતી ગંગાયમુના અને માનવખોળિયું મળ્યાની પરમ સાર્થકતા…..! સંત રામગરબાપુ તરફથી નહીં કોઇ ઉપદેશ, નહીં આડંબર, નહીં ચીપિયા, તુંબડા, ભભૂતિ….. ન કોઇ અપેક્ષા, ન કોઇ યાચના…..!ગોંડલના ભીડભંજન મહાદેવના મંદિરની દક્ષિણ દિશાએ ગાયોને પાણી પીવા માટે પાકી કૂંડીઓ બનાવેલી અને એની જ લાઇનમાં ઇંટ-પથ્થરનો પાકો ઓટલો…..ઓટલા ઉપર કંતાન પાથરીને રામગર બાપુએ ગુરુગાદી બનાવેલી. ગુરુગાદીનો અર્થ ગાદલાતકિયા કે રૂએલ પોચી પથારી નહીં પણ હાડકાં કકણી ઊઠે એવી સખત ભોંયવાળી પથારી…..! સંત રામગરજી પ્રભાતે વહેલા જાગે. શિવાલયમાં આરતીપૂજા કરીને તરત ગાયોની પાણી પીવાની કૂંડીઓને નાળિયેરના છાલાંથી ઘસીઘસીને ધોઇ નાખે, પછી નવું તાજું પાણી ભરે…. સૂરજ ઊગે કે છ ખિસ્સાંવાળી ભગવી બંડી પહેરે. આ બંડીનાં છ ખિસાસાં એટલે છ – છ પ્રાણીઓનાં ખાતાં…..! ગાયના ચારાનું ખિસ્સું…..કબૂતરની ચણનું ખિસ્સું. કૂતરાના ભોજનનું ખિસ્સું, કીડિયારાં પૂરવાનું ખિસ્સું….. ગરીબ-અભ્યાગતના અન્નનું ખિસ્સું. લોકો રામગરજીને પૈસા ભેટ આપે એટલે છએ ખિસ્સાના ખાતાની વાત કરે. ગાય માટે આપેલા પૈસા ગાયના ખિસ્સામાં, કૂતરાના પૈસા કૂતરાના ખિસ્સામાં. કબૂતરનાં, કીડીઓનાં, ગરીબોનાં, જેને જ્યાં ખર્ચવા હોય એ ખિસ્સામાં પૈસા નાખે. અને સાંજે સુધીમાં એ બધાં ખિસ્સાં ખાલી કરે. નહીં કોઇ ફાળો, નહીં કોઇ પ્રચાર. નહીં સમિતિ. નહીં કોઇ ટ્રસ્ટ…..સંતની બંડીના ખિસ્સાં એટલે કુશળ વેપારીનો રોજમેળ….. સૌનો ભાગ કાઢીને લીલો ચારો મંગાવે. રેંકડીઓ ભરે અને ગોંડલની બજારોમાં નીકળી પડે. રેઢિયાળ, ભટકતી, રખડતી, કુટાતી અને કંકુઅક્ષતે પૂજાતી હોવા છતાં દુઃખી દુઃખી જીવતી ગાયો, બગાઇઓથી ત્રસ્ત બનેલાં તેત્રીસ કરોડ દેવને હલાવતી ગાયો રામગર બાપુ પાસે પહોંચી જાય…..! રામગરજી એટલે “ગાયવાળા બાપુ” ધૂણી તાપીને, ભભૂતિ ચોળીને ગાંજાની ચલમો ભરીને “બમ્બભોલે” ના પડકારા દેતા સાધુનું કોઇ આ ખોળિયું નહીં. સાધુના વેશમાં કે સાધુના ઘેર પણ અવતાર નહીં. આ રામગર બાપુ ગોંડલ તાલુકાના મોવૈયા ગામ પાસેના અનજાણ ગામનો રાઘવ નામનો ભરવાડનો છોકરો…..! અનજાણ ગામના સામત ભરવાડને આ રાઘવ નામએક જ દીકરો. આંગણે સો જેટલી ગાયોનું ધણ…..સામત ભગત ખાધેપીધે, ન્યાત-સગામાં આબરૂવાળો માણસ…..રાઘવ ચાલતાં શીખ્યો કે ગાયોને ચરાવવા માંડ્યો…..! વીસમી સદી હજી પગલાં માંડતી હતી એ અરસામાં આખા ગોંડલ તાલુકામાં મરકીનો રોગ ફાટી નીકળ્યો. ખેડૂતો, મજૂરો, માલધારીઓ, ઘરો છોડીને અન્ય સ્થળે ભાગવા માંડ્યા. ગામનાં ગામ ખાલી થઇ ગયાં. પણ અનજાણ ગામના સામત ભગત ભરવાડે ગામ ન છોડ્યું. મરકીના રોગને જાણે દાઝ ચડી અને સામત ભગતની ગાયોમાં બીજા રોગને મોકલીને પણ ધણ આખું સાફ કરી નાખ્યું. છેવટે સામત ભગત અને એનાં પત્નીને લઇને મરકીએ વેર વાળ્યું…..! નોધારો રાઘવ, પોતાની આંખ સામે, વહાલપનાં ઝરણાં સમાં માબાપને ભડભડતી આગમાં રાખ થતાં જોઇ રહ્યો. ચૂડલિયાળાં જે બાવડાં રાઘવને કાંખમાં બેસાડતા, વહાલો કોળિયો ખવરાવતાં અને માથા પર વહાલપનો હાથ ફેરવતાં, એ માતાના બંન્ને હાથ આગમાં બળીને ખડી પડતા રાઘવે જોયા…..જે ખંધોલા પર બેસીને રાઘવ ઘોડો થતો એ બાપનો ખભો પણ આગ ભરખી ગઇ….. રાઘવથી આખા સ્મશાનને ધ્રુજાવી નાખે એવી બાળચીસ નીકળી ગઇ…..અને એ બેભાન બનીને ઢળી પડ્યો. હઠ કરીને સ્મશાને આવેલા આ છોકરાને થોડા ડાઘુઓ ઘેર આવીને સુવડાવી ગયા. રાઘવ જાગ્યો તો ખરો પણ માતાપિતાની સળગતી ચેહ એની આંખોમાં દાખલ થઇ ગઇ…. ન ખાધું, ન પીધું ! બસ, માતાપિતાનાં નામ લઇ લઇને કુમાર અવસ્થાનો રાઘવ, ડૂસકાં ભરીભરીને હૈયું નિતાર્યા કરે…..! આખો ભરવાડવાસ ગમગીન અને શોકાતુર બની ગયો. રાઘવને ફોસલાવવાની, સમજાવવાની એક પણ ચાવી કામ ન આવી. “અરેરે ! બચ્ચારા સામત ભગતનો વંશ જાશે.” વાસ ના ભરવાડો નિશ્વાસ મૂક્યા કરે : “પુણ્યશાળી ખોરડાની પેઢીએ તાળાં દેવાશે.” “આ છોકરાનું કાંક કરો, રૂડા ભગત !” પાંચ-દસ ભરવાડો ન્યાત પટેલ રૂડા ભગતને ઘેર ગયા : “આ રાઘવ કાંઇ ખાતો પીતો નથી. છોકરો કેટલા દી કાઢશે ? કાંક ઉપાય કરો પટેલ !” …અને દયાળુ રૂડા ભગત, નાનકડા રાઘવને લઇને ગોંડલ પહોંચ્યા. ગોંડલના ભૂતનાથ મહાદેવની જગ્યાના મહંત, મોતીગર બાપુના શિષ્ય હતાં. રૂડા ભગતે મોતીગર બાપુ પાસે જઇને ધા નાખી : “બાપુ ! આ રાઘવ અમારી ન્યાતના સામત ભરવાડનો એકનો એક છોકરો છે. માબાપ મરકીના રોગમાં ભરખાઇ ગયાં, એનાં વિયોગમાં આ છોકરો અન્નપાણી કાંઇ લેતો નથી. પાછો થાશે તો સામત ભગતનો વંશ જાશે. મારી અરજ છે કે છોકરાને જગ્યામાં રાખો. ટેલટપોરો કરશે અને કાંક ધરમધ્યાનમાં પરોવાશે.” “બેટા ! અહીં આવ !” મહંત મોતીગરજીએ રાઘવને પાસે બોલાવ્યો. ધૂણામાંથી ભભૂતિની ચપટી લીધી. રાઘવના મુખમાં મૂકી અને માથા પર હાથ મૂકતાંની સાથે રાઘવનું રુદન અદૃશ્ય થયું. જાણે રાઘવના બંધ કમાડ ઊઘડી ગયા. રાઘવને પોતાનું અવતારકાર્ય દીવા જેવું થઇને દેખાઇ ગયું. રાઘવ ભૂતનાથની જગ્યાની ગૌશાળામાં ગૌસેવામાં રોપાઇ ગયો. ગાયોને ચારો નાખવો. દોહવી, ખીલા કોરા કરવા, પાણી પાવું, વાસીદું કરવું, ત્રણ વરસ લગી રાઘવ ગૌશાળામાં ગૌમેય થઇ ગયો ! ગાયને અને રાઘવને અલગ પાડીને જોવું એ અઘરું લાગે…..! મોતીગરજીએ રાઘવમાં પડેલ હીરાને ઘસાઇને પહેલદાર બનેલો જોયો કે વાસીદું મુકાવ્યું. મંત્રદીક્ષા આપી અને રાઘવ નામ બદલીને રામગર રાખ્યું. ભેખ પહેરાવ્યો. પંચગુરુ ધારણ કરાવ્યા અને જૂનાગઢના અખાડામાં લઇ જઇને અખાડાના ચોપડે નામ લખાવ્યું. ધારેશ્વર મહાદેવના મહંત વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા ત્યારે ધારેશ્વરની સેવા રામગરજીને સોંપી. રામગરજીએ ધારેશ્વરમાં ગૌસેવા આરંભી. ઇ.સ. 1934માં ગોંડલના રાજવી ભગવતસિંહજીને પચ્ચાસ પૂરાં થવાથી રાજ્યમાં સુવર્ણ જયંતી ઉજવાણી. ગોંડલ રાજ્યનાં ગામડાઓના પાકા કૂવાહવાડા, નિશાળો, બાલમંદિરો બંધાયાં અને ગોંડલમાં ભીડભંજન મહાદેવના મંદિરને દ્રવિડિયન શિલ્પીઓ બોલાવીને મંદિરને સંગેમરમર બનાવ્યું. રામગરજીએ મંદિરના બાંધકામમાં કડિયા-મજૂરો-શિલ્પીઓને પૂરો સંતોષ આપીને સેવા કરી….. ભીડભંજનની સેવા પોતે સ્વીકારી….. રાજવીના કોઇ મતભેદના કારણે ભીડભંજનની સેવા બ્રાહ્મણને બ્રાહ્મણને સોંપાણી. રામગરજીને આઘાત લાગ્યો છતાં પણ ભીડભંજનની સેવાપૂજા એ મોડેથી કરતામ ગાયોની સેવા પ્રતિદિન વિસ્તરતી ગઇ. ભીડભંજનની દક્ષિણે રામગરજીએ ગાયોને પાણી પીવા માટે પાકી કૂંડીઓ બંધાવી અને પથ્થરના ઓટલા પર પોતાની ગુરુગાદી સ્થાપીને ખુલ્લા આકાશતળે બેસે. વૈશાખનો તડકો, અષાઢનો વરસાદ અને પોષની ટાઢ રામગરજીના કંતાનધારી ખોળિયાને ટોચો પણ કરી શકતી નહીં. અંગ પર કંતાનની લાંબી હલફી. ઉપર ભગવી બંડી અને માથા પર સૂંડલા જેવડી જટા…..ગોંડલની ગાયો માટે એ જાણે ગૌલોક…..! ગાંજો નહીં, હુક્કો નહીં, કોઇ વ્યસન નહીં. વ્યસન માત્ર એક જ ; ગાયોની સતત સેવા…..કપડાં પણ બદલવાનાં નહીં…..એનાં એ જ ભગવાં. છાણછાણ, ક્યારેક તો ચહેરોયે છાણછાણ ! લોકોના અતિશય આગ્રહ વધે ત્યારે મહંત રામગરજી વસ્ત્રો નવાં પહેરે પણ પહેરતાં પહેલાં ગોંડલ અને આજુબાજુના શિવાલયોમાં ધ્વજદંડ રોપાય અને બાવન ગજની ધજાઓ ચડે, લીલા ઘાસચારાની ટ્રકો ભરાય અને ગોંડલની ગાયો ઉપરાંત આસપાસનાં ગામડાં વાછરાં, હડમતાળા, અરડોઇ, ભાડવા, વીરપુર, વાંકાનેર, વગેરે ગામોમાં ગાયોના લીલા ઘાસ, કૂતરા માટે લાડુ પહોંચે અને બટુક-ભોજન થાય. સૌને ખ્યાલ આવે કે રામગર બાપુએ આજે નવાં વસ્ત્રો પહેર્યાં છે. ખૂબ અવસ્થા થતાં લોકોનો અતિ આગ્રહ થવાથી રામગર બાપુ જૂના અંબાજીનાં મંદિરે રહેતા. માંગવાનું નહીં, કહેવાનું નહીં, સેવકો ટિફિન આપે એમાંથી ગોગ્રાસ, શ્વાનગ્રાસ, માછલાં માટેના ટુકડા અલગ તારવી લીધા પછી વધે એટલું, એક ટંક આરોગવાનું. થોકેથોકે નાણાં આવે. બાપુની બંડીનાં છ ખિસ્સાંમાં એ જમા થાય અને સાંજ સુધીમાં બધાં ખાતા સરભર થાય ! રામગર બાપુ કહેતા : “ગાયોને બચાવો, એ તમને બચાવશે….. ગાયો મરશે તો કોણ જીવશે ?” જીવનના શ્વાસ ચાલ્યા ત્યાં સુધી છ ખિસ્સાંવાળી ભગવી બંડી. ગોંડલની શેરી, બજારોમાં “આ…..લે…..લે…..” નો નાદ ગજવતી રહી. ગાયો દોડતી રહી….. અંત સમય નજીક આવતાં રામગરબાપુએ પોતાના સેવકોસેવકોને નિર્વાણદિવસની આગાહી આપી દીધી : “શોક ન કરશો….. ગાયો ને સાચવજો. શ્વાનોને સાચવજો. ભોળાં કબૂતરોને અને કીડીઓને પાળજો…..મારી સમાધિ ધારેશ્વર મહાદેવના મંદિરમાં, ગુરુજીના ગોદમાં, ઉગમણા મોંએ આપજો…..” ….અને ઇ.સ. 1989ના ફેબ્રુઆરીની 11મી તારીખે એક પ્રખર સંત, મહાન ગૌસેવક, અયાચક સાધુ, નિરભિમાની અને સાદગીનો સાક્ષાત્ અવતાર એવા પૂ. રામગરબાપૂએ હરિનામ લેતાં લેતાં શ્વાસ સંકેલ્યા….. એ દિવસ બુદ્ધિનો કાબૂ રાખીને સેવકગણ એવા માનવસમુદાય અંતરમાં રડ્યો પણ ગોંડલની ગાયોએ, શ્વાનોએ પારેવાંઓએ મૂંગાં આંસુ વહાવ્યાં હતાં….. નોંધ : પૂ. રામગર બાપુનુ કાયમી ટ્રસ્ટ ગોંડલમાં બન્યું છે. ટ્રસ્ટીઓએ રામગર બાપુનું સંગેમરનરનું મંદિર બાંધ્યું છે અને રાજસ્થાનના ખ્યાતનામ શિલ્પકારો પાસે તેમની મૂર્તિ તૈયાર કરાવી છે જે ગોંડલના માંડવીચોકમાં ગાયોનાં અવેડા પાસે મોજૂદ છે. માનનીય રાષ્ટ્રપતિ શ્રી કલામ સાહેબે પણ આ સ્થળની મુલાકાત લીધી છે.
 
Powered by Gautam Kotila This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free