Welcome to Great kathiyawad
Great Kathiyawad
By Gautam Kotila

દિકરો

[‘સૌરાષ્ટ્રની રસધાર’માંથી સાભાર.] ‘આપા દેવાત ! આ તમ સારુ થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે.’ એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી, વચ્ચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે; અને જાણે કોઈ ખંડિયાની પાસેથી નજરાણું લેતો હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે. એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે. 000 ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે : ‘આપા દેવાત ! આ નવોનકોર હોકોય હું ગંગા-જમની તાર મઢાવીને ખાસ તમ સાટુ જ લાવેલ છું. સારું રાચ તો ઠેકાણે જ શોભે ને, બા !’ થોડુંક મોં મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે. ‘…..ને આ ઊનની ડળી.’ એમ કહેતા ત્રીજા ભાઈ આગળ આવે છે. ‘આપા દેવાત, તમારી ઘોડીને માથે આ મશરૂ જેવી થઈ પડશે. ઘોડીનું ડિલ નહિ છોલાય. ખાસ બનાવીને આણી છે, હો !’ 0000 ચલાળા ગામના ચોરા ઉપર દરબાર ઓઘડ વાળાનાં આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે, ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઈ છે. દેવાતને જ રીઝવવા સારુ સહુ મથે છે. દેવાતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે. દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને. આઘેની એક થાંભલીને થડ ડિલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મરદ બેઠેલો છે. પછેડીની પલાંઠ ભીડી છે. એની મૂછો ફરકી રહી છે. એના હોઠ મરક મરક થાય છે. પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે કે : ‘કાઠીઓમાં આ કઢીચટ્ટાપણું ક્યારથી પેઠું, ભાઈ ? જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માંધાતા કોણ છે આ દેવાત વાંક ?’ ‘ચૂપ, ભાઈ ચૂપ ! આપા લાખા ! તું હજી છોકરું છો. તારું લાખાપાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું. નીકર તુંય આપા દેવાતને તારી તળીની કેરિયું દેવા દોડ્યો જાત.’ ‘હું ? મારા આંબાની કેરિયું હું દેવાતને ડરથી દેવા જાઉં ? ના, ના. એથી તો ભલું કે સૂડા, પોપટ ન કાગડા મારાં ફળને ઠોલે. કાઠીના દીકરા તો સહુ સરખા : કોણ રાંક, ને કોણ રાણા ! આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી.’ 000 બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો. એના બોલ ડાયરાને કાને પડ્યા, અને વચ્ચોવચ બેઠેલા વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું. ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું : ‘ઈ કોણ મુછાળો ચાંદાં કરે છે ત્યાં બેઠો બેઠો ? ઉઘાડું બોલો ને, બાપા !’ ‘આપા દેવાત વાંક !’ આદમીએ થડક્યા વિના જવાબ દીધો : ‘ઈ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સહુ સરખા; છતાં કાઠી ઊઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય, ઈથી તો આપા દેવાતને પણ દુખ્ખ થાવું જોવે – હરખાવું નો જોવે.’00 ‘આપા લાખા વાળા ! તયેં તો હવે લાખાપાદર ફરતા ગઢ બંધાવજે, બા !’00 ‘તું તારે ચડી આવજે, આપા દેવાત ! હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચણાવું, પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ; આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ.’00 ‘લે ત્યારે, લાખા વાળા !’ એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળિમાં કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું : ‘લાખાપાદરને માથે જો હું મીઠાનાં હળ હાંકું, તો તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે, નીકર….’ ‘હાં….હાં…..હાં…. ગજબ કરો મા, બા !’ એમ કરતો આખો ડાયરો આડો પડ્યો. ઘરડિયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું : ‘આપા, લાખો વાળો તો બાળક છે, એને બોલ્યાનું ભાન નથી. તમારે સમદરપેટ રાખવું જોવે.’00 ‘ના, ના, આપા દેવાત ! મારું નોતરું અફર જાણજે હો કે !’ એમ કહીને લાખો વાળો તલવાર-ભાલો લઈને ઊઠી ગયો. ઘોડીએ પલાણીને નીકળ્યો. કહેતો ગયો : ‘કાઠી તો સંધાય સમવડિયા. કાઠીમાં ઊંચનીંચ ન હોય; પણ તમે સહુએ બી-બીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણાં દેવાનો મોખ નથી. બાંધે એની તરવાર, અને ગા વાળે ઈ અરજણ; એમાં ભેદભાવ ન હોય.’ એટલાં વેણ સંભળાવીને લાખાપાદરનો ધણી રોઝડી ઘોડી હાંકી ગયો. લાખાપાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઈઓ પણ થથર્યા. તે દિવસથી લાખો વાળો પરગામ જઈને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલરટાણે તો ઝાંપામાં આવી જ પહોંચે.000 એ વાતને તો છ-આઠ મહિના થઈ ગયા. લાખા વાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો, ને કાં તો થડકી ગયો. એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો. એક દિવસ લાખો વાળો ચલાળે ગયેલ છે. ઓઘડ વાળાની ને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી. સાંજ પડ્યે એણે રજા માગી, પણ ઓઘડ વાળો કહે કે, ‘આપા, આજની રાત તો નહિ જાવા દઈએ; અને હવે ક્યાં દેવાત તમારી વાંસે ભમતો ફરે છે ?’ લાખો વાળો કચવાતે મને રોકાયો. 0000 આંહીં લાખાપાદરમાં શું થયું ? સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાત કટક લઈને આવે છે. ગામનો ઝાંપો બંધ કરી, આડાં ગાડાં ગોઠવી, લોકો હથિયાર લઈ ઊભા રહ્યા. પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ. ઊલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખા વાળા ઉપર દાઝે બળી ગયા. દેવાતનું કટક પડ્યું. ઝાંપા ઉપર લાખાપાદરના કંઈક જુવાન કામ આવ્યા. ઝાંપો તૂટ્યો, કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા માંડ્યું. નક્કી કર્યું હતું કે લૂંટ કરી કરીને સહુએ પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સહુ ચાલવા માંડ્યા. ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ લાખા વાળાના ફળીમાં જઈને હાકલા કરવા મંડ્યો : ‘કાઠી ! બા’રો નીકળ, બા’રો નીકળ. તે દી તું કયે મોઢે બકી ગયો’તો !’ ઓરડામાં ઊભી ઊભી લાખા વાળાની સ્ત્રી થરથરતી હતી. એણે જવાબ દીધો : ‘આપા દેવાત ! કાઠી ઘરે હોત તો તે શેલને સામે કાંઠે તને લેવા આવત, સંતાત નહિ.’ 0000 ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખા વાળાની દીકરી હીરબાઈ ઊભી હતી. પંદર વરસની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા, લોહીતરબોળ ભાલો કે લાલઘૂમ આંખો એ છોકરીને મન જાણે કાંઈક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહિ. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી. પેલા વડલાની છાંયડીએ રમેલી; કછોટા ભીડીને ઝાડવે ચડેલી; ધરામાં ઢબીઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી; શેલ નદીના ઘૂનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું : ને હીરબાઈએ તો લાખાપાદરના ચોકમાં, શેલ નદીના કાંઠા ગુંજી ઊઠે એવો ‘તેજમલ ઠાકોર’નો રાસડોયે કંઈ કંઈ વાર ગાયો હતો : 000 ઉગમણી ધરતીના, દાદા, કોરા કાગળ આવ્યા રે, ……… એ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે. કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે, ………. ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે. શીદને રોવો છો દાદા, શું છે અમને કે’જો રે, ……….. દળકટક આવ્યું દીકરી, વારે કોણ ચડશે રે ! સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કે’વાણા રે ! …………. હૈયે હિંમત રાખો દાદા, અમે વારે ચડશું રે. 000 દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખા વાળાનો આતમરામ એ વછેરો ! દેવાતે વિચાર્યું કે ‘આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ; લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે !’ પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો, માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો. બરડો બરાબર દીકરી હીરબાઈની સામે રહ્યો. ઓરડામાંથી મા કહે છે કે, ‘બેટા હીરબાઈ, આંહીં આવતી રહે.’ પણ હીરબાઈ શું જોઈ રહી છે ? તૈયાર ભાલો, તૈયાર બરડો અને નિર્જન ફળિયું ! વિચાર કરવાનો એને વખત નહોતો, એણે ભાલો ઉપાડ્યો; ત્યાં ઊભાં ઊભાં જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. ભચ દેતો ભાલો શરીર સોંસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો. 000 નીચે ઊતરી દેવાતની જ તલવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા મૂક્યા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી : ‘માડી, પછેડી લાવ્ય, ગાંસડી બાંધીએ.’ દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી, કોઈને ખબર ન પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી. સહુને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે. દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે કે, ‘ગઢવા, ચલાળે જાઓ, ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. આંહીં આવીને એક વાર મારે મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે.’ 000 ગઢવી ચલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખા વાળાને માથે જાણે સાતેય આકાશ તૂટી પડ્યાં ! ‘હવે હું શું મોઢું લઈ લાખાપાદર આવું ? પરબારો શત્રુઓને હાથે જ મરીશ….. પણ એકની એક દીકરીના સમ ! ડાહી દીકરી શા સારુ બોલાવતી હશે ? મારાં સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતિ સૂઝે શું ? કાંઈક કારણ હશે ! જોઉં તો ખરો.’ દરબાર ઘેર પહોંચ્યા, ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું : ‘બાપુ, તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં આંહીં રાખ્યો છે.’ એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી. લાખા વાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાત વાંક પોતે જ. દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂક્યો : ‘બેટા ! દુનિયા કહેતી’તી કે લાખા વાળાને દીકરી છે; પણ ના, ના, મારે તો દીકરો છે !’
 
Powered by Gautam Kotila This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free