ઓરમાન ભાઈની દિલાવરી
બગસરાના ધણી દરબાર ભાયાવાળાની છેલ્લી ઘડી ગણાઈ રહી હતી, પણ તેઓ દેહ છોડતાં નહોતાં, તેમને નવી પત્નીના નાના દીકરા રામની ચિંતા કોરી ખાતી હતી કે તેમના ગયા પછી ઓરમાન ભાઈઓ તેને સાચવશે કે નહીં? ત્યાં ભેગા થયેલા તેમના દીકરાઓએ હૈયાધારણ આપી કે તેઓ બગસરા ઓરમાન ભાઈ રામને જ સોંપી દેશે.
પેલી ભઢ્ઢી ઉપર મેધવર્ષા થાય એમ આગલા ઘરના દીકરાઓની પ્રતિજ્ઞાથી દરબાર ભાયાવાળાનો આત્મા પ્રસન્નતાના લેરખે બેસીને પરલોક સિધાવી ગયો! પિતાની અત્યંષ્ટ ક્રિયા કરીને પુત્રોએ બારમું કર્યું. આખા કાઠિયાવાડમાંથી બગસરાના કારજે ન્યાતનો ડાયરો થયો. ડાયરો છાશું પીવા ઊભો થયો એ વેળા વાલેરાવાળાએ ન્યાત આગળ વાત મૂકી કે ‘અમે ગિરાસ અમારા નાનેરાભાઇ રામને સુવાંગ આપવાના છીએ અને અમે ત્રણેય ભાઇઓ પ્રતિજ્ઞા સાથે જાહેર કરીએ છીએ કે બગસરામાંથી અમારે ચાર આંગળ જમીન પણ હરામ છે.’
‘ઓરમાન ભાઇઓની દિલાવરી સાંભળીને ન્યાતીલાઓએ ત્રણેય ભાઇઓને ધન્યવાદ દીધા અને પછી ભલામણ કરી કે રામભાઇ મોટો થાય ત્યાં લગી તમે બગસરાનો વહીવટ કરો.’ ત્રણેય ભાઇઓ કબૂલ થયા… ચીવટ અને ચતુરાઇથી મધમાખી જેમ મધપૂડાને સાચવે એમ ત્રણેય ભાઇઓએ બગસરાને સાચવ્યું. બહેન આયબા ઉંમરલાયક થતાં બગસરામાં જ રહેતા ભાણકોટીલા સાથે એનાં ધામધૂમથી લગ્ન કર્યા અને પછી બગસરા રામને સુપરત કર્યું: ‘ભાઇ, તારો વહીવટ હવે તું સંભાળ!’ અને ત્રણેય ભાઇઓ પોતાના ગામ-ગિરાસમાં જતા રહ્યા.
બગસરાનો વહીવટ રામવાળા સંભાળે છે. બહેન અને બનેવી બગસરામાં જ રહે છે પણ વહીવટકાર રામવાળાને બનેવી ભાણ કોટીલા સાથે મતભેદ થયો. બગસરાના ધણી લેખે રામવાળાએ વર્તન કર્યું. એથી બનેવીને ખોટું લાગ્યું અને બગસરામાંથી ઉચાળા લઇને ચાલી નીકળ્યા. રામવાળો પણ વટને ખાતર મનાવવા ન ગયા.
બહેન અને બનેવીનું વેલડું કોઠા (વાળા) પીપરીઆ ગામે પહોંચ્યું. બહેને પોતાના ઓરમાન ભાઇ વાલેરાવાળાને સમાચાર મોકલ્યા કે ભાઇ મને મળવા આવે… બહેન ‘નારાયણ’ કહેવડાવે છે.વાલેરાવાળા ગામને પાદર આવ્યા. બહેન અને બનેવીના ઉચાળા જોયા અને વાતની વસમાણ્ય પામી ગયા: ‘બહેન! આ શું?’‘કાંઇ નૈ ભાઇ!’ આટલું બોલતાં તો બહેનનો કંઠ રૂંધાઇ ગયો. ‘મેં કું પાદરથી નીકળી છું, એટલે ભાઇને મળતી જાઉં.’
‘કેમ બા? ભાઇને આંગણે ન અવાય?’ વાલેરાવાળા મમતાથી બોલ્યા: ‘અમારો અને રામનો ગિરાસ નોખો છે પણ સૂરજ દાદાને પ્રતાયે મન-અંતર હજી એક જ છે… બોલો બહેન, બગસરા સૌ મજામાં છે ને?’
‘બગસરા તો અમે છોડી દીધું, ભાઇ!’
‘બગસરા છોડી દીધું? કાં? શું કામે બહેન?’
‘તમારા બનેવીનાં માનપાન રામભાઇ ન જાળવે તો મારે બગસરાના ગિરાસને શું કરવો ભાઇ!’ બહેને આંખો લૂછી: ‘અમે હવે જતાં રહીએ છીએ.’
‘ન જવાય બહેન!’ વાલેરાવાળાએ વેલડા સહિત બહેન-બનેવીને પોતાના ઘેર લીધાં: ‘હું તમારો ભાઇ જ છું બહેન!’ અને પળ રહીને એણે કહ્યું: ‘હવે પછી તમારું અને મારા બનેવીનું ગૌરવ જળવાય, માનપાન રહે અને તમારે મારી પણ ઓશિયાળ ન કરવી પડે એ માટે મારા ગિરાસનાં ગામોમાંથી ગીગાસણ અને લેરિયા બે ગામ તમને બક્ષિસ કરું છું.’ અને દુનિયાએ પણ આંખો ઠારીને અનુભવ્યું કે ઓરમાન ભાઇ પણ કેવો હોય છે!
‘‘‘
વાલેરાવાળાની રખાવટ અને ઉદારતાનો જવાબ જાણે ખુદ ધરતી આપતી હોય એમ સંવત ૧૫૯૬માં વાલેરાવાળા ગિરનારની જાત્રા કરીને આવતા હતા ત્યારે કોઠા પીપરીઆ ગામને સીમાડે રસ્તામાં એક નાગ ફેણ પછાડી અને ચાલતો થઇ ગયો. દરબારે શાસ્ત્રકારોને આ રહસ્ય પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે એ ધરતી પર ખોદકામ કરાવો. જમીનમાં માથા દટાયેલી છે અને ખોદકામ કરતાં સોનામહોરના સાત ચરુ નીકળ્યા.
અઢળક ધન મળતાં, ઉદાર ચરિત વાલેરાવાળાએ આ ધનને સત્કાર્યમાં વાપરી નાખવા માટે ‘સહસ્ત્ર ભોજપ્ત યજ્ઞ કરાવ્યો. દેશમાંથી વિદ્વાન પુરોહિતોને બોલાવીને યજ્ઞ આરંભ્યો. કાઠિયાવાડના તમામ રાજાઓ, મહારાજાને નિમંત્રયા… સંતો અને મહંતોની પધરામણી થઇ. ગાયો, ભેંસો, ઘોડાઓનાં દાન અપાયાં. પંદરસો જેટલા રાજવીઓને દરબાર વાલેરાવાળાએ સોનેરી પાઘડીઓ બંધાવી અને ફૂલની જેમ સાચવીને મહેમાનગતિ કરી.
વાલેરાવાળાની અણમોલ મહેમાનગતિ માણીને રાજવીઓ અતિશય પ્રસન્ન થયા… એમણે સૌને વાલેરાવાળાએ બોલાવીને કહ્યું: ‘દરબાર! તમે અમને અથાક માન-સન્માન આપીને તમારા ઋણી બનાવ્યા… અમે સૌએ પણ નિર્ણય કર્યો છે કે તમને અમારે સરપાવ આપવો… અમે સૌ તમે માંગો એટલાં ગામ અમારા રાજમાંથી આપવા તૈયાર છીએ, તો માંગો!’
‘મારે ગામ કે ગિરાસ નથી ખપતાં, બાપ!’ દરબારે વિનયથી ઇન્કાર કર્યો: ‘સૂરજની સાક્ષીએ બોલું છું કે મારે આપની વાલ કે વીંટી પણ અગરાજ છે… મેં આ યજ્ઞ દેવા માટે કર્યો છે, લેવા માટે નહીં, બાપા…!’‘પણ તમારે કંઇક તો માંગવું પડશે… અમારે ઠાલા હાથે અહીંથી વિદાય નથી જોઇતી…’‘ભલે…’ દરબાર વાલેરાવાળાએ કહ્યું: ‘તમારે જો મને કાંઇ આપવું હોય તો માગું છું કે તમારા સૌના રાજમાં અમારા કાઠી ભાઇઓ રહેતા હશે… મારા એ ભાઇઓ છે. માટે તમે સૌ એમની પાસેથી વેરો કે વેઠ ન લેશો… જો તમે આટલું વેણ પાળશો તો મને ઇન્દ્રાસન મળ્યું એમ ગણીશ.’
અને સૌરાષ્ટ્રના રાજવીઓએ જ્ઞાતિભક્તિ કેવી હોવી જોઇએ એનો આનંદાશ્રર્ય અનુભવ કર્યો…