Welcome to Great kathiyawad
Great Kathiyawad
By Gautam Kotila

સુના સમદરની પાળે


[દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે જ એક જીવતો સાથી ઊભો છે, મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.]

સૂના સમદરની પાળે
રે આઘા સમદરની પાળે
ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક બાળુડો રે
સૂના સમદરની પાળે.

નો'તી એની પાસે કો માડી.
રે નો'તી એની પાસે કો બે'નીઃ
વ્હાલાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઈ ત્યાં નો'તી રે
સૂના સમદરની પાળે.

વેગે એનાં લોહી વ્હેતાં'તાં
રે વેગે એનાં લોહી વ્હેતાં'તાં,
બિડાતા હોઠના છેલ્લા બોલ ઝીલન્તો એક ત્યાં ઊભો રે
સાથી સમદરની પાળે.

ઝૂકેલા એ વીરને કાને
રે એકીલા એ વીરને કાને
ટૂંપાતી જીભનાં ત્રુટ્યાં વેણ સુણાવે હાથ ઝાલીને રે
સૂના સમદરની પાળે

વીરા ! મારો દેશડો દૂરે,
રે વીરા! મારું ગામડું દૂરે,
વા'લીડાં દેશવાસીને સોંપજે મોંઘી તેગ આ મારી એ
સૂના સમદરની પાળે.

એ ને એંધાણી કે'જે
રે એ ને નિશાનીએ કે'જે,
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી દૂર પોઢ્યો છે રે
સૂના સમદરની પાળે

લીલૂડા લીંબડા હેઠે
રે લીલૂડા લીંબડા હેઠે
ભેળાં થૈ પૂછશે ભાંડુ, રણઘેલૂડો કેમ રોકાણો રે
સૂના સમદરની પાળે.

માંડીને વાતડી કે'જે
 રે માંડીને વાતડી કે'જે
ખેલાણા કોડથી કેવા કારમા રૂડા ખેલ ખાંડાના રે
સૂના સમદરની પાળે.

કે'જે સામા પાવ ભીડન્તા
રે કે'જે સામા ઘાવ ઝીલન્તા
ઊભા'તા આપણા વંકા વીર રોકીને વાટ વેરીની રે
સૂના સમદરની પાળે.

કે'જે એવાં જુદ્ધને જોતો
રે કે'જે એવાં જુદ્ધને જોતો
ઊગીને આથમ્યો આભે ભાણ આખો દી ઘોડલે ઘૂમી રે
સૂના સમદરની પાળે.

કે'જે ભાઈ! આરતી-ટાણે
રે કે'જે ભાઈ! ઝાલરું-ટાણે
લાખેણા વીરની સો સો લોથ સૂતી સંસારવિસામે રે
સૂના સમદરની પાળે.

કે'જે એવે શોભતે સાથે,
રે કે'જે વે રૂડલે સાથે,
પોઢ્યા ત્યાં કૈંક બાળુડા ઊગતે જોબન મીટ માંડીને રે
સૂના સમદરની પાળે.

કે'જે એવા ભાંડરુ ભેળો
ર કે'જે એવા મીંતરું ભેળો,
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી પ્રેમશું પોઢ્યો રે
સૂના સમદરની પાળે.

બીજું મારી માતને કે'જે
રે બીજું મારી મા'તને કે'જે
રોજો મા, માવડી મોરી ! ભાઈ મોટેરા પાળશે તુંને રે
સૂના સમદરની પાળે.

માડી! હું તો રાનપંખીડું
રે માડી ! હું તો વેરાન પંખીડું:
પ્રીતિને પીંજરે મારો જંપિયો નો'તો જીવ તોફાની રે
સૂના સમદરની પાળે.

માડી! મેં તો બાપને ખોળે
રે માડી! મેં તો બાપને ખોળે,
બેસીને સાંભળ્યાં સો-સો રાત બાપુનાં ઘોર ધીંગાણાં રે
સૂના સમદરની પાળે.

બાપુએ કેરે મોત-બિછાને
રે બાપુ કેરે મોત બિછાને,
વ્હેચાણા રાંક પિતાના વારસા જે દી ભાઈ વચાળે રે
સૂના સમદરની પાળે.

ભાઇયું મારા સોનલાં માગે
રે ભાઇયું મારા રૂપલાં માગે,
માગી'તી એકલી મેં તો વાંકડી તાતી તેગ બાપુની રે
સૂના સમદરની પાળે.

દા'ડી એને ટોડલે ટાંગી
રે દા'ડી એને ટોડલે ટાંગી,
સંધ્યાનાં તેજશું રૂડી ખેલતી જોતો હું બાળ ઘેલો રે
સૂના સમદરની પાળે.

એવાં એવાં સુખ સંભારી,
રે એવાં એવાં સુખ સંભારી,
રાજેસર ગામ ને રેવાતીરનો વાસી વ્હાલથી પોઢે રે
સૂના સમદરની પાળે.

ત્રીજું મારી બે'નને કે'જે
રે ત્રીજું મારી બે'નને કે'જે,
બે'ની બા! માથડાં ઢાંકી ધ્રુસકે મારે કાજ મા રોજો રે
સૂના સમદરની પાળે.

સામૈયાની શોભતી સાંજે
રે સામૈયાની શોભતી સાંજે,
બે'નીબા! વીર વિહોણી વારને ભાળી નેન ના લ્હોજો રે
સૂના સમદરની પાળે.

જેવંતા એ રણજોદ્ધાને
રે જેવંતા એ રણજોદ્ધાને
ઉભાડી આપણે આંગણ, ઊજળાં મોંનાં મીઠડાં લેજો રે!
સૂના સમદરની પાળે.

જોજે બે'ની! હામ નો ભાંગે
રે જોજે બે'ની! વેદના જાગે,
તુંયે રણબંકડા કેરી બે'નઃ ફુલાતી રાખજે છાતી રે!
સૂના સમદરની પાળે.

બે'ની! કોઈ સોબતી મારો
રે બે'ની ! કોઈ સોબતી મારો,
માગે જો હાથ, વીરાની ભાઈબંધીને દોયલે દાવે રે
સૂના સમદરની પાળે.

બે'ની મારી, ફાળ મા ખાજે!
રે બે'ની! ઝંખવૈશ મા લાજે!
માયાળુ! મન કૉળે તો ભાઈને નામે જોડજે હૈયાં રે!
સૂના સમદરની પાળે.

બે'નીબા! આ તેગ બાપુની
રે બે'નીબા! આ તેગ બાપુની,
ઝુલાવી ટોડલે જૂને રોજ પેટાવ્યે દીવડો ઘીનો રે,
સૂના સમદરની પાળે.

એવાં વા'લાં ધામ સંભારી
રે એવાં મીઠાં નામ સંભારી,
રાજસર ગામ ને રેવાતીરનો વાસી એકલો પોઢે રે
સૂના સમદરની પાળે.

બંધુ મારા! એક છે બીજી
રે બંધુ મારા! એક છે બીજી,
તોફાની આંખ બે કાળીઃ ઓળખી લેજે એ જ એંધાણે રે
સૂના સમદરની પાળે.

બંધુ! એનું દિલ મસ્તાનું
રે બેલી! એનું દિલ મસ્તાનું,
મસ્તાના ફૂલ હૈયાને હાય રે માંડ્યું આજ ચિરાયું રે
સૂના સમદરની પાળે.

કે'જે એને રાત આ છેલ્લી
રે કે'જે એને વાત આ છેલ્લી,
કે'જે કે ચાંદલી આઠમ રાતનાં ઊડ્યાં પ્રેમ-પંખેરું રે
સૂના સમદરની પાળે.

કે'જે મારું સોણલું છેલ્લું
રે કે'જે મારું સોણલું છેલ્લું :
એવાને કાંઠડે આપને જોડલે ઊભાં દિન આથમતે રે
સૂના સમદરની પાળે.

રેવા ઘેરાં ગીત ગાતી'તી
રે રેવા ઘેરાં ગીત ગાતી'તી,
ગાતાં'તાં આપણે ભેળાં ગાન મીઠેરાં ગુર્જરી માનાં રે
સૂના સમદરની પાળે.

પ્હાડેપ્હાડ આથડ્યાં ભેળાં
રે ખીણેખીણ ઊતર્યાં ભેળાં,
જે તારી આંખડી પ્યાસી શું ય પીતી'તી મુખડે મારે રે!
સૂના સમદરની પાળે.

કૂણી તારી આંગળી કેરા
રે કૂણી તારી આંગળી કેરા
ભીડીને આંકડા મારે હાથ, ચાલી તું દૂર વિશ્વાસે રે
સૂના સમદરની પાળે.

એવાં એવાં સોણલાં જોતો
રે એવાં એવાં સોણલાં જોતો
રાજેસર ગામ ને રેવાતીરનો તારો પિયુજી પોઢે રે
સૂના સમદરની પાળે.

લાગ્યો એનો કંઠ રૂંધાવા
રે લાગી એની જીભ ટૂંપાવા,
ઓલાતી આંખડી ઢાળી, શ્વાસ નિતારી, બોલતો થંભે રે
સૂના સમદરની પાળે.

સાથી એની આગળ ઝૂકે
રે સાથી એનું શિર લ્યે ઊંચે;
બુઝાણો પ્રાણ તિખારો વીર કોડાળો જાય વિસામે રે
સૂના સમદરની પાળે.

ચાલી આવે આભમાં ચંદા
રે ચાલી આવે આભમાં ચંદા
ચંદાનાં નેણલાં નીચે કારમા કેવા કેર વેરાણા રે
સૂના સમદરની પાળે.

ઠારોઠાર ખાંદણાં રાતાં
રે લારોલાર ઢૂંઢ ને માથાં;
કાળી એ કાળલીલાને ન્યાળતી ચંદા એકલી ઊભી રે
સૂના સમદરની પાળે.

ઊભી ઊભી ન્યાળતી આઘે -
રે ઊભી ઊભી ન્યાળતી આઘે
રાજેસર ગામ ને રેવાતીરનાં સૂતાં માનવી મોંઘાં રે
સૂના સમદરની પાળે.
[૧૯૩૦]
-૦-

 
Powered by Gautam Kotila This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free