કુંડલાનો ધણી-નાનાભાઇ જેબલિયા
‘અરરર! ભણ્યું અવજા! (આંધળો) તેં તો ગંગા જેવી પવિત્ર આ નદીને અભડાવી મારી. આઘો ટળ્ય, આઘો...!’
ગીર વનનો ત્રીસેક ગાઉનો લાંબો પંથ કરીને એક ગઢવો, કુંડલાના દખણાદે પાદર પગ મૂકે છે અને કુંડલાની નાવલી નદીમાં એક ખસલેલ આદમીને સ્નાન કરતો જોઈને ધખારો કાઢે છે : ‘આઘો ટળ્ય, આઘો...!’
આખી રાતનો ઉજાગરો - પગપાળો વિકટ રસ્તાનો પ્રવાસ અને ચિત્તમાં ભડભડતો અગ્નિ-દેવીપૂતર આખેઆખો ક્રોધાઈ ગયો છે!
મહોરતા સૂરજનું રતૂમડું મોં, નાવલી નદીના નીરમાં છબછબે છે. નદીના વહેણમાં અજાણ્યો એક આદમી, એનાં ગૂમડાં ધોઈ રહ્યો છે. ઉઘાડું ડીલ, પીળુંપચ ધોતિયું, સૂઘરીના માળા જેવું માથું, એક આંખ અવજી (કાણી) અને ખસ ‚ઝવવા આખા શરીરે ચોળેલું ‘ભડકિયું’! ભડકિયાની તીવ્ર ગંધથી ગઢવો આગ આગ થઈને વેણકવેણ બોલવા માંડ્યો.
નાવલીમાં સ્નાન કરતા પેલા આદમીની સાજી એક આંખ થોડી પહોળી થઈ. હુકમ આપવા સર્જાયેલી એની જબાન, થોડીક તળેઉપર થઈ. પણ એના મુત્સદ્દીપણાએ આ બધું ક્ષણાર્ધમાં ઢાંકી દીધું.
‘દેવીપૂતર મૂઓ છંઈ, તંઈ જ તને ધખું છું ને? કુંડલાના ધણી એવા સામત ખુમાણની ગંગા રોખી જેવી આ નાવલી અને એમાં તારી જેવા ગંધારા ગૂમડાં ધોએ?’
‘તમારે ના’વું છે ગઢવા?’ પેલો આદમી એનો ધીરજના ભંડારને અકબંધ રાખીને બોલ્યો.
‘અરે, હવે તો આમાં નવાય?’ ગઢવાએ વળી વરાળ કાઢી : ‘તેં ગંધવી મારી, આ નાવલીને...’‘હેં ગઢવા!’ થોડુંક તીખેરું હસીને ‘ખસ’નો એ રોગી બોલ્યો : ‘કોને ત્યાં જાવું છે?’
‘કુંડલાના ધણી સામત ખુમાણને જાચવા નીકળ્યો છું...’ ગઢવી બોલ્યો : ‘ઘરે દીકરાનાં લગન છે. વેવાઈ બૌ વસમો મળ્યો છે. દસ ગદિયાણા સોનું માગે છે એની દીકરી માટે... સોનું લીધા વગર જાન લઈને કઈ રીતે જાવું? આબ‚ જાવા બેઠી છે.’
‘અને ગઢવા!’ નહાવા આવેલ આદમીનો શીળીના ડાઘવાળો ચહેરો ધડ ઉપરથી થોડો ઊંચકાયો. એની આંખોમાં આઘે આઘે બેઠેલી મુત્સદ્દીગીરી આછું એવું કંપીને શાંત થઈ ગઈ. અવાજમાં અમીરાત ભરીને એણે પુન: પૂછ્યું: ‘ગઢવા! તમે સામત ખુમાણને મળ્યા છો?’
‘મળું કે ન મળું, તો પણ આજ મારો દિ’ બગડ્યો...’
પેલા મુત્સદ્દી ગણાતા આદમીએ વળી પાછી ગમ્મત આદરી : ‘હેં ગઢવા! તમારો દિ’ શાનો બગડશે?’
‘કુંડલાની નાવલી આખી તેં ગંધવી મારી છે! મારો શું. આખા કુંડલા ગામનો દિ’ બગડ્યો.’
‘ગઢવા! તમે સામત ખુમાણ પાસે શું માગશો?’
‘મારા બાપ! મને હવે તું વધારે બોલાવ્ય મા. સામત ખુમાણ પાસે મારે માગવું હશે ઈ માગીશ, પણ તને જાફરાબાદના દરિયામાં નાખી દેવાનું જ‚ર માગીશ.’
‘ઓહ! એહ! એહ!’ પેલો આદમી ખડખડાટ હસી પડ્યો : ‘તો તો ગઢવા, તમે પ્રથમ કામ એ જ કરજો હોં! સામત ખુમાણ તમારી વાત સાંભળીને બૌ રાજી થાશે.’
ગઢવીએ એકાદ પળ ચોંકીને એ આદમીનાં વેણ ઝીલ્યાં. પણ રસકાબોળ એના ક્રોધે, એને લાંબું વિચારવાનો મોકો ન રહેવા દીધો.
ફાટેલાં પગરખાંમાં પગ નાખીને ચારણે સામત ખુમાણની ડેલી તરફ પગ ઉપાડ્યા, ત્યારે નદીમાં ખંખોળિયું ખાતો ખાતો આ રહસ્યમય આદમી સારી પેઠે હસ્યો : ‘તેં તો ગઢવા! પ્રભાતના પોરમાં સામત ખુમાણને સારી પેઠે ઊધડો લીધો હોં...’સૂરજ મહારાજે કુંડલાના દરબારગઢના મોભાર ઉપર કિરણો પાથર્યાં. ત્યારે ગઢવીએ સામત ખુમાણની ડેલીએ પગ દીધો.
ડેલીના ખાનામાં હકડેઠક ડાયરો બેઠો છે. ખરલમાં અફીણ વટાઈ રહ્યાં છે. ‚પાની ઝંઝરીવાળો હોકો ડાયરામાં ફરી રહ્યો છે. ગઢવીને ઉમળકાથી આવકાર મળ્યો... ‘લ્યો ગઢવા, કસુંબો લ્યો...’
ઘોર નિ:શ્ર્વાસ મૂકીને ચારણે કીધું : ‘કસુંબો તો બાપ, જોગમાયા લેવડાવે ત્યારે ખરી.’
‘કાં દેવીપૂતર! એવું વળી શું છે?’
હું તો ‘પણ’ લઈને નીકળ્યો છું ભા! મને કુંડલાનો ધણી કસુંબો લેવડાવે તંઈ લેવો છે. નીકર જેવી માતાજીની મરજી...’
ચારણની ટેકનો જાણતલ એવો ડાયરો સમજી ગયો.
ગઢવી એક ખૂણામાં સામત ખુમાણના આવવાની રાહ જોઈને ગાંસડીની જેમ બેઠો. એના ચિતમાં વહેવારની મૂંઝવણ વળી પાછી આવીને છવાઈ વળી.
ગીર ધરતીનો માલધારી ચારણ દેવાળંદ, ભારી વસામણ્યમાં આવી પડ્યો છે. એકના એક દીકરાનાં લગન આવ્યાં. ચારણ્યે હોંશે હોંશે કંકુ - ચોખાએ લગન વધાવ્યાં, ઘરમાં મૂક્યાં અને લગનિયા બ્રાણે વેવાઈના સમાચાર દીધા કે ‘દેવાળંદ ગઢવી! જાન લઈને આવો ત્યારે દસ ગદિયાણાનાં ઘરેણાં લઈને આવજો, નીકર પાદરમાં તમે ભૂંડા લાગશો.’
‘ભારે કરી વેવાઈએ તો!’ દેવાળંદે મણ એકનો નિહાપો મેલ્યો : ‘લગન વધાવી લીધાં, હવે શો ઉપાય?’
‘એમાં મૂંઝાઈ શું ગયા દેવીપૂતર!’ ધણિયાણીએ ધણીને ભાંગતો રોકવા ઓળંભો દીધો : ‘દેવીપૂતર છો. મોંએ મા શારદા વસે છે. બે કવિતા કરશો એટલે સોનું સોનું...’
‘ચારણ્ય! બે કવિતા ઉપર પાંચ તોલા સોનું મળે એવો કોઈ રાજવી મારી નજરમાં નથી. મોટાં મોટાં રજવાડામાં હું કદી ગયો નથી. મારી દશા થાશે કેવી?’
‘જુઓ, ગઢવી! હારણ થયે કાંઈ ન વળે... તમે કુંડલે જાવ... સામત ખુમાણ ડાહ્યો રાજવી છે... તમારી ભીડ જ‚ર ભાંગશે.’
અને એ જ રાતે ગઢવી, ગિરના નેસડામાંથી રાત વેઠીને કુંડલાના પંથે પડ્યો.
દડમજલ કુંડલાના પાદરમાં પગ મૂક્યો, નાવલીનાં ખળખળ વહેતાં નીરમાં એણે પગ બોળ્યો, ન બોળ્યો અને આ ખસલેલ આદમીને જોયો... ગઢવાના હૈયામાં હતી એટલી વેદના ઉલેચાઈ ગઈ...
‘ગઢવા!’ ડાયરામાંથી કોઈકે ગઢવાને વિચાર-વંટોળમાંથી ઢંઢોળ્યા : ‘સાબદા થાવ... દરબાર ડેલીએ આવે છે. તમારી ટેકને આવડતી વાણીમાં વણો...’
અને દેવાળંદે સામત ખુમાણને બિરદાવ્યા : ‘સામત તોળા નામમાં ભરી હૂઈ સામંતાઈ, ઈ તો કવિતે કૈ ન જાય કી વદું કુંડલાધણી...’
‘વાહ કવિ...!’ દાયરામાંથી દાદ મળી...
અને એ જ વખતે સામત ખુમાણે ડેલીના ખાનામાં પગ મૂક્યો... અને ગઢવીની ઉપર જાણે વીજળી પડી! ગઢવીનો ચહેરો કાળો કણક થઈ ઊઠ્યો! ધરતી જો માગ આપે તો સમાઈ જવાનું મન થઈ ગયું!
દરબાર સામત ખુમાણ, ચારણની આપદાને પામી ગયા. હસીને બોલ્યા : ‘ગઢવા! નદીવાળી ભોંઠપ આવી ગઈ? હોય બા, હોય...! તમે તો કવિરાજ...! તમને અંતરે ઊગે એવું બોલવાની છૂટ હોય ગઢવી! ભોંઠપ જાવા દો અને રામ રામ મળો, ભા!’
‘કેમ કરીને રામ રામ મળું, મારા બાપ!’ દેવાળંદનો અવાજ ‚ંધાઈ ગયો : ‘મારી જીભે તો બાપ, માઝા મૂકી... મને કમત્ય સૂઝી કુંડલાના ધણી!’
પ્રભાતના પહોરમાં નાવલી નદીના કાંઠે, ગઢવાએ જે આદમી માટે જીભની કટાર ચલાવેલી એ જ આદમીને સામત ખુમાણના ‚પે પોતાની સામે ઊભેલ જોઈને ગઢવીના અંતરમાં ઉલ્કાપાત મચ્યો, ડુમાએલા કંઠે ગઢવીએ પશ્ર્ચાત્તાપ કર્યો...!
‘આવ્યો મોટી આશથી, આફત ટાળવા કાજ
(મારી) જીભે મૂકી માઝ, કમત્ય સૂઝી કુંડલાધણી!’
‘સામત ખુમાણ! મારી વિપતને હણવા હું તમારે આશરે આવ્યો અને તમને ન કહેવાનાં કહેણ કીધાં... મને માફ કરી દો, બાપ!’
‘રાખો હવે રાખો ગઢવા!’ સામત ખુમાણ હરખાયા : ‘આવડો મોટો બળાપો કાઢવાની જ‚ર નથી, દેવીપૂતર!મને તો આનંદ થયો કે મારી નાવલી નદી અને મારા કુંડલા ગામનો તમારે મન કેવો મોટો મહિમા છે! તમે તો મારી નાવલીનાં પાણીનુંય રખોપું રાખો છો, બાપ!’
અને સવારની આખીય ઘટના, હસતાં હસતાં સામત ખુમાણે સૌ દાયરાને કહી સંભળાવી...
કુંડલાના ગાદીપતિની આટલી મોટી ઉદારતા જોઈને સૌ સ્તબ્ધ બની ગયા...
‘લ્યો ગઢવા!’ કહીને સામત ખુમાણે પગમાં પહેરવાનો સોનાનો તોડો દેવાળંદ ગઢવીને અંબાવ્યો. ‘મારો સૂરજદાદો તમને આ આપે છે. રંગેચંગેથી દીકરો પરણાવો, કવિરાજ! અને હજી પણ કાંઈ જ‚ર પડે તો કુંડલાના દરવાજા તમારા માટે મોકળા છે.’
સોનાનો તોેડો લેતાં લેતાં ખુશી થઈ ઊઠેલા દેવાળંદ ગઢવીને એવો તો ખુશીપો ચડ્યો કે એના કેડિયાની કસો તૂટી ગઈ!