Welcome to Great kathiyawad
Great Kathiyawad
By Gautam Kotila

આર્ય રમણી

-------આર્ય રમણી---------- --

------- છંદ હરિગીત--------

....... (મહાસતી નું મહત્વ )....... . અનસુયા ને આંગણે, ત્રણ દેવ બાળક થઇ રમે
શોધ કરવા ત્રણે સતીઓ , ભ્રમિત થઇ વન માં ભમે
પરખો તમે પતિદેવ ને , ઊંઘી રહ્યા આવાસ માં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં......(1).

. .......( સત્ય પાલન )....... .
હરીશચંદ્ર રાજા એ જુઓ , સાત કરને સંકટ સહ્યા
રાની કુંવર વેચ્યા છતાં , આંખે થી આંસુ ના વહ્યા
પતિકાજ પરિતાપો સહ્યા , અંતર છતાં ઉલ્હાસમાં.
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં..... .

......(આજ્ઞાંકિત પુત્ર)........
રઘુકુળ ભૂષણ રામ નું, ગાદી તણું મહુરત હશે
આજ્ઞા પિતા ની પાળવા , એ વિકટ વનમાં જઈ વસે
ત્યાગી સુખો વૈભવ તણા , સીતા વસે સહવાસ માં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

......( પતિવ્રતા ની પરાકાષ્ઠા ).......
સત્ય ધર્મ સાવિત્રી તણા , જાહેર આખી જહાંન છે
ફરગ કર્યો યમ ફાંશથી, સાબિત કથા સત્યવાન છે
ચૂડો અખંડ સૌભાગ્ય નો દિગ્વિજય દ્રઢ વિશ્વાસમાં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

......( ગૌ સેવાનું ફળ )......
સેવા કરી સુરભી તણી, અને યોગ નું સાધન કર્યું
વેદાંત નું મંથન કરી , ગીતા તણું સર્જન કર્યું
એ દેવકી આપે ભલે , અવતાર કારાવાસમાં.
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

.....( ટેકીલા પણું ).......
ચિતોડ કરથી છૂટતા, રાણો રઝળતો થઇ ગયો
અરવલ્લી માં આટકી ,એ શાહ ની સામે થયો
રાણી અને વળી રાજકુંવરો , વસ્યા જઈ વનવાસમાં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....
.......(આત્મસંયમ ની અસ્મિતા)......
તલવાર તોગે વાપરી , વણ મસ્તકે ધડ લડ્યું
દળ બાદશાહ નું વાઢતા, જેને સવાયું પાણી ચડ્યું
ફેરાફેરી વરમાળ ફેંકી , રહ્યો ન રાણી વાસમાં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....
.....( દેશાભિમાન )......
જગ માં વધારી જાહલે, આબરૂ કુળ આહીર ની
સિંધ માં જતા સંકટ પડ્યું તેદી વ્હાર માંગી વીરની
સુમરા હમીર ને નવઘણે, રોળ્યો હતો રણવાસમાં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

......(જીવન પરિવર્તન )......
વિષય ની અંધ વાસના પાછળ ગયો પત્ની તણી
પૂંછ ભૂલી પનંગ નું ઉપર ચઢ્યો દોરી ગણી
સંકેત સ્વામી ને કર્યો , તાપ ઉદય તુલશીદાસ માં.
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

....(અતિથિ સત્કાર ).....
વેધ્યો કુંવર નિજ વાણીએ , હાથે છતાં મુખડું હસે
શગાળશાહ નું નામ સુણતા, રુંવાડા ઉભા થશે
ચંગાવતી એ શીષ ખાંડયું હરખી ને ઉલ્લાસમાં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

.....( કાપડું ).....
વાળો તળાજે સૂર્યવંશી , અડીખમ એભલ થયો
અણાંનું શીષ અર્પતા , થડકાર દિલ માં ના થયો
બલિદાન આપ્યું બાળનું , બેહની તણી બરદાસ માં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

....( મલાજો )....
એભલ ગયો નિજ ઓરડે , ત્રીય અલ્પ ઉપહાસ્ય જ કર્યું
પોઢલે ચાંપો પિંગલે જણે વસ્ત્ર મુખ ઉપર ધર્યું
જીભાન કરડીશજોગમાયા સિધાવી સ્વર્ગવાસમા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

.....( શૂરોપૂરો ).....
એ જનેતા ને ઉદર થંભ જસો ચાંપો થયો
મસ્તક ધર્યું મહાદેવ ને જે ધડ લઇ દળ માં ધસ્યો
લડતું પડ્યું ધડ લાઠી એ , કાઠી ગયો કૈલાશ માં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

.....(વચન પાલન )......
પકડી ને હઠ પરીચાગતી , સત્યાગ્રહે ચડ્યો હતો
તેદી પ્રગટ થઇ દેવી પુતર ને , મશાણે મળીયો હતો
દેહ પડિયા પછી દીધો દશોંદી ને અશ્વ દાન માં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

....( શિયળ રક્ષણ ).....
માંડલિક રાજા મોણીએ, મતિ ભ્રષ્ટ થઇ આવ્યો હતો
તે દિ નેણ હસતે નાગબાયે , ખુબ સમજાવ્યો હતો
સિંહણ થઇ શિયળ રક્ષ્યું , ગ્રશ્યો એક જ ગ્રાસમાં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

....( ધર્મરક્ષણ ).....
ધન્ય કુખ જીજાબાઈની (જેમાં) શિવાજી પાક્યો હતો
તલવાર કેર ધારથી , હિંદુ ધરમ રાખ્યો હતો
પડકાર કરતી પુત્ર ને , મરજે સમર મેદાન માં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

....( રણચંડી ) ......
લઇ તેગ લક્ષ્મી બાઈ જે , ઝાંસી તણી રાણી હતી
ઝૂઝી હતી રણ જંગમાં ,જે દુશ્મનો હણતી હતી
મરડો સમી એ માનુની ,પણ હતી હિન્દુસ્તાન માં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

.....(સહનશીલતા).....
હિસાબ નહિ હીણ કર્મ નો , વળી ઘાતકી પણ છે ઘણો
રીબવવા રંજાડવામાં , ગજબ નો જાદર ગણો
મૌન સેવે માક્બા, વરણયું ન પિયરવાસમાં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

....( અસાર સંસાર ની અનુભૂતિ )...
આહીર તનયા અમરના , પુણ્ય પૂર્વ ના ઉદય થયા
સંસાર પર ધિક્કાર છૂટ્યો , વેગ મન અટકી ગયા
કોઢ તણી સેવા કરી , દ્રઢ ભાવ દેવીદાસમાં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

....( પવિત્રતા નું પ્રતિક )....
મુળી તણી મથરાવટી , કપટી મળી હલકી કરે
ધનેવ જેવા દેવ ઉપર , આળ અણકલ્પી ધરે
વીખ પાત્ર પતિ કર થી લઇ , ચૂસી ગઈ એક શ્વાસ માં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

....( પ્રસુતા ની પ્રતિભા )......
અણમોલ રત્નો ઉપજે, કલ્પના નાવે કોઈને
વિધિ તણી વૈવિધ્યતા , જાગે અચંબો જોઈને
પ્રતિભા જુવો પ્રસુતા તણી , ગીગો વસે ગર્ભવાસમાં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....
....( દાન ની દિગ્વીજયતા )...
જુઓ હિંમત જલિયાણ ની , શ્રદ્ધા અચળ સાધુ પરે
ભેદી રૂપી ભામિની ની , માગણી બાવો કરે
અર્પણ કરે અર્ધાંગના વરસ્યાં સુમન આકાશમાં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

....(મુલ્યવાન માતા ).....
સૌરાષ્ટ્ર માં સાગર કિનારે , સુદામા જન્મ્યો હતો
પાવન ભૂમિ એ પોરબંદર માં કાબો ગાંધી હતો
સંસ્કાર નું સિંચન કર્યું છે , માત મોહનદાસ માં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં..... .

......( કવિ વચન )......
અરજી અમારી સાંભળી , ભગવાન ભેરે આવજે
ભૂષણ બને ભારત તણું , એવી નારી ઓ નીપજાવજે
"કવિ કાન" કે સુપુત્ર જન્મે , ચાહું શ્વાસોશ્વાસમાં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.....

-----કવિ કાન બારોટ

Powered by Gautam Kotila This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free