Welcome to Great kathiyawad
સિહ સાથે દોસ્તી
સિંહની જાનવરો સાથેની ભાઈબંધીની ઘણી વાતો પંચતંત્રમાંથી મળે છે , પણ સિંહની માનવી સાથેની મિત્રતા જડી આવે છે . એ સત્ય ઘટના ` સિંહની દોસ્તી ' ના નામે શ્રી ભાણભાઈ ગીડાએ ` નવનીત ' માં નોંધી છે .
સાસણ ગીરથી 16 કિલોમીટર દૂર મોણપરી નામે ગામ આવેલું છે . ઘણાં એે ધૂનાવાળી મોણપૂરી પણ કહે છે . આ મોણપરીમાં માત્રા વાળા નામે કાઠીદરબાર ગરાસદાર થઈ ગયા . ગામના પાદરમાં નદીની ઊંચી ભેખડો ઉપર તેમની વાડી હતી . એક દિવસ દરબાર માત્રાવાળા વાડીએ ખાટલો ઢાળીને બેઠા બેઠા વનશ્રીની શોભા નિહાળી રહ્યા હતા . ત્યાં સિંહ અને સિંહણ નદીમાં પાણી પીવા ઊતર્યાં . સિંહયુગલ લંબાઈને પાણી પીતું હતું . ત્યાં મગરે આવીને સિંહના પંજા પકડ્યા , પાણીમાં ખળભળાટ થયો . લાંબા સમયની ખેંચાખેંચી પછી મગર , સિંહને પાણીમાં ખેંચી ગયો , સિંહે પોતાની રાણીને બચાવના ખૂબ ધમપછાડા માર્યા પણ કારી ન ફાવતાં કાંઠાની વેકૂર પર પાછો આવી શોકમગ્ન બની બેસી ગયો . દરબાર માત્રાવાળા આખું દૃશ્ય પોતાની નજરે જોઈ રહ્યા હતા . પોતે રાતના વાડીએ જ રોકાઈ ગયા . સિંહ હવે શું કરે છે તે જોવાની તેમને તાલાવેલી લાગી હતી . સિંહ ત્યાં બેસી રહ્યો . માત્રાવાળા પણ પોતાના માણસો સાથે ત્યાં જ રોકાઈ ગયા . એમ કરતાં બે દિવસ વહી ગયા , ત્રીજે દિવસે પાણીમાં અવાજ થયો . મગર નદીના કાંઠે આંટા મારવા મંડાણો . સિંહ કાંઠે જઈને પાણી પીવાનો ડોળ કરવા લાગ્યો . શિકારની લાલચે મગર નદીકાંઠે આવ્યો .
નદીના આછેરા પાણીમાં સિંહ અને મગરનો ભેટો થઈ ગયો . સિંહે મગર પર સીધી છલાંગ મારી પંજાથી પ્રહાર કરવા લાગ્યો . ઘડીમાં સિંહ મગરને પાણી બહાર ખેંચે તો ઘડીમાં મગર સિંહને પાણીમાં ખેંચે . ગામ - લોકો ભેગા થઈ ગયા . કલાકકેના ખૂનખાર યુદ્ધ પછી સિંહે મગરને મોતને ઘાટ ઉતારી દીધો . આ યુદ્ધમાં સિંહ સારી પેઠે ઘવાયો હતો , એટલે થોડીવારમાં તો ઢગલો થઈને ઢળી પડ્યો .
દરબાર માત્રાવાળા શૂરવીર અને બહાદુર હતા . સિંહના પરાક્રમ પર તે વારી ગયા હતા . આથી ભેખડ ઊતરીને તેઓ નદીના પટમાં ગયા . ઘાયલ સિંહ પડ્યો પડ્યો હાંફતો હતો . લોકો રિડિયા પાડવા લાગ્યા કે ` બાપુ પાછા આવો , પાછા આવો . ન જવાય . કાળના મોંઢામાં ન જવાય . '
પણ માત્રાવાળાએ મોતની પરવા ન કરી . સિંહની સમીપ પહોંચી એના જખમ સાફ કર્યા . દેશી વન - સ્પતિનાં પાંદડાં મસળી પાટા બાંધ્યાં . સિંહના શરીરે પાણી છાંટ્યું . સિંહે આંખો ખોલી . પછી તે ઊભો થવા ગયો પણ ઊભો થઈ શક્યો નહિ . દરબારે એને પાણી પાયું . સિંહ , માનવતાના પૂજારી તરફ પ્રેમથી તાકી રહ્યો . થોડા દિવસની સારવાર પછી તો સિંહ હાલતો - ચાલતો થઈ ગયો . પણ માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો . દિવસ આખો એમના ખાટલા પાસે બેસી રહે . ભૂખ લાગે એટલે રાતના જંગલમાં જઈને શિકાર કરી આવતો દરબારમે હેતપ્રીતની હીરલાગાંઠ બંધાઈ ગઈ . સિંહ વાડીએથી મોણપુરી ગામમાં દરબારને ઘેર તેમની સાથે આવવા લાગ્યો .
એક દિવસ મોણપુરીમાં દરબાર પોતાની ડેલીમાં સૂતા હતા . પલંગ નીચે સિંહ આરામ કરતો હતો . એવામાં માત્રાવાળાના પાંચ છ દુશ્મનો વંડી ઠેકીને ફળિયામાં આવ્યાં . ચોરપગલે આવીને માત્રાવાળા પર જેવો ઘા કરવા જાય છે એવા જ સિંહે છલાંગ મારી બે જણને ત્યાં જ ઢાળી દીધા બીજા નાસી ગયા .
આ ઘટના બન્યા પછી દરબાર માત્રાવાળા બીમાર પડ્યા . એ વખતે પણ સિંહ તેમના ખાટલા પાસે બેસી રહેતો . ટૂંકી માંદગી પછી દરબારનું અવ સાન થયું . ડાઘુઓની સાથે સિંહ પણ સ્મશાને ગયો . પોતાને જીવનદાન દેનાર દરબારની ભડભડતી ચિતા સામે બેસીને આંસુ સાર્યાં .
ઝબૂકતા અંગારને ઓલવાતાં જોયા પછી સિંહ ઊઠ્યો . ચિતા ફરતો આંટો દઈ ઘેરો ઘૂઘવાટ કરી ભાઈ - બંધના દુઃખને અંતરમાં ધરબી ગંભીર પગલે ગીરની વનશ્રીમાં અદૃશ્ય થઈ ગયો . એમ મનાય છે કે સિંહે આત્મહત્યા કરી હશે .
Powered by Gautam Kotila
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free