સમયને હાચવી લેજો- જસદણ દરબારની વાત
જસદણ એક નાનકડું ગામ. તેના દરબાર આલા ખાચર દરિયાવ દિલના ઝિંદાદિલ માનવી હતા. દોમદોમ સાહ્યબી વચ્ચે પણ તેઓ દીન દુ:ખીયાઓને ભૂલતા ન હતા.
તેમણે એક નિયમ પાળ્યો હતો. પ્રાત:કાળે કોઈ પણ યાચક પોતાના દરવાજે આવે તો એને ખાલી હાથે પાછો ન વાળવો. દાન આપવામાં કોઈ કસર કરે નહીં અને શક્ય તેટલું વધારે આપી છૂટતા.
દરબારની આ આદતની ચિંતા તેમના દીવાનને થતી. એણે એક વાર આલા ખાચરને ટકોર કરી: બાપુ! થોડાં ખમૈયાં કરો. આપ રોજ રોજ આપ્યા કરો છો એટલે નવા નવા યાચકો ઉમેરાયા કરે છે.
બાપુ કહે: એમાં હું શું કરું? યાચકો આવે છે એટલે હું આપું છું. ગરીબોને જોઈને મારું મન ઝાલ્યું નથી રહેતું.
દીવાનજીએ બાપુના આ શબ્દ પકડ્યા: બાપુ! ખરી વાત એ છે કે આપ આપો છો માટે એ આવે છે. ગોળ હોય ત્યાં માખી આવે જ ને?
બાપુ ત્યારે તો ખામોશ રહ્યા. એક વાર રાતના સમયે બાપુની ડેલીએ ડાયરો જામ્યો હતો. મોડે સુધી એની છોળો માણીને સહુ વીખરાઈ રહ્યા હતા ત્યારે બાપુએ દીવાનને સાદ કર્યો: જરા અહીં આવીને જજો. દીવાન બાપુ પાસે સરક્યા. બાપુએ આછાં અજવાળામાં સેવક પાસે કપડું દૂર કરાવ્યું. ત્યાં હતો ગોળનો એક મોટો રવો. બાપુ બોલ્યા: દીવાનજી! આ શું છે?
ગોળ છે, બાપુ.
તો એના પર માખી કેમ નથી?
દીવાને ખુલાસો કર્યો: બાપુ! રાત્રે માખી થોડી આવે? એ તો દિવસ હોય ત્યારે જ આવે.
બાપુએ આ શબ્દો પકડી લેતાં કહ્યું: હું પણ એ જ કહું છું. મારો અત્યારે દિવસ (સારો સમય) ચાલે છે. માટે જ યાચકો મારી પાસે રોજ રોજ આવે છે. રાત (ખરાબ સમય) શરૂ થશે ત્યારે તો કોઈ મારે ત્યાં ફરકવાના નથી. તો પછી અત્યારે સારા દિવસો ચાલે છે ત્યારે ખચકાવું શા માટે?
દીવાન મુગ્ધ થઈ ગયા બાપુની આ ઊંચી ભાવના પર...
આલા ખાચર તો એમના સમયને પારખી શક્યા ને જરૂરિયાતમંદ લોકોને આપી છૂટવાની ઊંચી ભૂમિકા અપનાવી શક્યા. આપણે પણ એમાંથી પ્રેરણા લઈને આપણા દિવસોને પારખીને ઉદાત્ત ભૂમિકા નિભાવવનું શીખીએ.
દાન લેવું એ સુખકર ક્યારેય હોતું નથી... મોટાભાગે તો લાચારીમાં મુકાયેલ માનવી જ માગવા નીકળે છે. માટે, કોઈ માગવા માટે તમારી સામે હાથ લંબાવે ત્યારે આ વાતને યાદ કરીને વિચારી જોજો કે તમારો અત્યારે સારો સમય ચાલે છે કે વરવો સમય ચાલે છે? કબીરજી કહે છે ને કે દુ:ખમેં સુનિરન સબ કરે, સુખમેં કરે ન કોઈ, સુખમેં સુમિરન જો કરે તો કાહે કો દુ:ખ હોય ... આપણા સારા સમયને જો આપણે સતકાર્યોમાં લગાડતા રહીશું તો નક્કિ માનજો વરવો સમય આપણી નજીક ક્યરેય લહીં ઢુંકે...
પરમાત્માના પ્રસાદ રૂપે આ જે કાંઈ પણ તમને મળ્યું હોય તેનો સદ્ઉપયોગ કરી લેજો. તમને મળેલા સમયને સાચવી લેશો તો, નક્કિ માનજો, સમય પણ જીવનના અંતે તમને સાચવી લેશે.
અસ્તુ... … … ... … … ... … … ... … … ... …