Welcome to Great kathiyawad
Great Kathiyawad
By Gautam Kotila

તુલસીશ્યામ પ્રાગટ્ય કથા

પક્ષી બેસે તો મરી જાય એવું ‘મિંઢો હરમ્યો’ નામનું ઝેરી ઝાડવું જ્યાં પૂર્વે હતું એ મીંઢાના નેસ નામના નાના ગામડાનો નિવાસી ચારણ દેવી સાંતિયો, આજથી પાંચસો વર્ષ પૂર્વે ‘લેરિયાના નેસ’ નામે ગામથી પોતાની વરોળ(ન વિયાંય તેવી) ભેંસ પર બેસીને ચાલ્યો આવે છે. માર્ગે બરાબર આ ડુંગરા વચ્ચે જ રાત પડે છે. ઘનઘોર અટવી, સામેના રુક્મિણીના ડૂંગર પરથી વાજતેગાજતે વરઘોડો ચાલ્યો આવે, શૂરવીર ચારણ તલવાર ખેંચી એ પ્રેમસૃષ્ટિને ડારવા ઉભો રહ્યો, પણ જાણે એને કોઈ જ્યોતિ સ્વરૂપે કહ્યું કે, ‘દેવા સાંતિયા ! આંહી મારી પ્રતિમા નીકળશે; આંહીં એની સ્થાપના કરજે.’ ચારણ નિંદ્રામાં પડ્યો. પ્રભાતે પાંદડા ઉખેળતાં શ્યામ પ્રતિમા સાંપડી. કંકુ તો નહોતું, પણ ચારણ સદા સિંદૂરની ડાબલી સાથે રાખે, સિંદૂરનું તિલક કર્યું. (આજ સુધી એ પ્રતિમાને સિંદૂરનું જ તિલક થાય છે.) બાબરીયાઓનું ને ગીર નિવાસી ચારણોનું એ તીર્થધામ થયું. પ્રતિમાજીને નવરાવવા ત્યાં તાતા પાણીનો એક કુંડ પ્રગટ થયો. એ પાસે જ થઈને નાનું ઝરણું ચાલ્યું જાય છે. તેનું જળ શીતળ ને આ કુંડનું પાણી તો ચૂલા પરના આંધણ જેવું ફળફળતું. પ્રથમ એમાં પોટલી ઝબોળીને પ્રવાસીઓ ચોખા ચોડવતાં. પણ એક વાર કોઈ શિકારીએ માંસ રાંધ્યું, ત્યારથી એની ઉષ્મા ઓછી થઈ છે. હવે એમાં ચોખા નથી ચઢતા, પણ તમે સ્નાન કરો એવું ઉનું પાણી તો એમાં સદાકાળ રહે છે. કોઈએ કહ્યું કે એમાં દેડકાં પણ જીવતાં જોવામાં આવે છે. એ તો ઠીક, પણ એ પાણીની ગંધનો પાર નથી કોઈક જ વાર કુંડ સાફ થાય ખરાં ને ! તીર્થો ઘણાંખરાં ગંદકીથી જ ભરેલાં.તીર્થક્ષેત્રે કૃતં પાપં, વજ્રલેપો ભવિષ્યતિ. એક દિવસ આ તુલસીશ્યામની જાહોજલાલી હતી. બાબરીયાવાડના બેંતાલીસ ગામ એ ‘શ્યામજીના ધામ’ ઉપર ઓછાં ઓછાં થઈ જતાં. અટવીનાં નિવાસી અજ્ઞાન આહીર – ચારણો અને બાબરિયાઓના અંધારે પડેલા જીવનમાં આસ્થા અને પવિત્રતાનું દિવેલ પુરાતું. પણ પછી તો એ જગ્યાની સમૃદ્ધિ વધી. એક મહંતે કંજૂસાઈ કરી કરીને દ્રવ્ય સંઘર્યું. અરણ્યમાંથી ઉપાડીને એણે ડેડાણ શહેરમાં વસવાટ જમાવ્યા, આ જગ્યા ફના થઈ ગઈ. અને એ સૂમનું સંચેલું ધન આખરે એક શિષ્યને હાથે ગાદી પ્રાપ્તિના કજીયામાં લડવામાં કુમાર્ગે વહી ગયું. (આપણે જૈનો, સ્વામીપંથીઓ – બલકે જાહેર કાર્યકર્તાઓ પણ ન ભૂલીએ કે ધર્માદા સંચેલ દ્રવ્યની આખરી અવદશા એ જ થાય છે.) આજે એ સ્થળે એક જુવાન દૂધાહારી ઉત્તર હિંદુસ્થાની સ્વામીએ ગૌશાળા તરીકે બાંધી જગ્યાનો પુનરુદ્ધાર આદરેલો દીસે છે. આ હિંદુસ્થાની સાધુઓ ભારી વિલક્ષણ. કાઠિયાવાડમાં ઠેર ઠેર તમને અક્કેક ધર્મસ્થાનક ખરી નિષ્ઠાથી ચલાવતા જોશો. સામાન્ય રીતે સ્વભાવના કડક, સ્વતંત્ર તાસીરના ને મોટા ચમરબંધીની પણ પરવા ન રાખનાર ફાટેલ પ્યાલાના હોય છે. આપણામાં એ દૈવત ક્યારે આવશે? પણ મને તો એ ઈતિહાસમાં, એ ગરમ પાણીમાં કે પ્રતિમામાં રસ નહોતો. મને તો એ તુલસીશ્યામના કમાડ પર એકસો વર્ષ પૂર્વે એક બહારવટીયાના ભાલના ટકોરા પડ્યા હતાં એ મધરાતનો સમય સાંભરી આવ્યો. એ બહારવટીયો જોગીદાસ ખુમાણ. એ યોગી બહારવટીયાની લાંબી કથા ‘બહારવટીયા’ ભાગ બીજામાં વાંચશો. પોષ માસની કડકડતી ઠંડીમાં એ ચાળીસ ઘોડે મધરાતે આવ્યો. ‘ઉઘાડો’ કહી દરવાજે ટકોરા દીધાં.દરવાન કહે, ‘નહીં ઉઘાડું. તમે બહારવટીયા છો.’ ‘અરે ભાઈ ! અમે બહારવટીયા ખરાં, પણ શામજી મહારાજના નહીં, ઉઘાડ, એક જ રાતને આશરે આવ્યા છીએ. જવાબ મળ્યો, ‘નહીં ઉઘાડું.’ કમાડ પર ભાલાની બુડી ઠોકીને જોગીદાસે હાકલ કરી કે, ‘ઉઘાડ નહીંતર અટાણે ને અટાણે કમાડ તોડી શામજીના અંગ પરથી વાલની વાળી પણ ઉઠાવી જાશું.’ દરવાને રંગ પારખ્યો, કમાડ ઉઘડ્યાં, ચાળીસ ઘોડીઓ અંદર ચાલી ગઈ, બહારવટીયો શામજીનું મંદિર ઉઘાડી, પાઘડી ઉતારી, ચોટલો ઢળકતો મેલી, હાથમાં બેરખો ફેરવતો ઉભો ઉભો પ્રતિમાજીને બાળકની કાલી મીઠી વાણીમાં ઠપકો દેવા લાગ્યો કે, ‘એ શામજી દાદા ! અમારા એંશી ને ચાર ગામ તો ભાવનગરે આંચકી લીધાં. ઈ તો ખેર, ભુજાયું ભેટવીને લેવાશે તો લેશું, પણ તારા કોઠારમાંથી શું અધશેર અનાજની પણ ખોટ આવી કે મારા ચાળીસ ચાળીસ અસવારોને આઠ આઠ દિવસની લાંઘણ્યું ખેંચ્યા પછી રાવળ નદીમાં ઘોડીયુંના એંઠા બાજરાની મૂઠી મૂઠી ઘૂઘરી ખાઈને તાંસળી તાંસળી પાણીનો સમાવો કરી ભૂખ મટાડવી પડે? આ ઠપકો દેનાર જાણે એ મંદિરમાં મારી નજરો સમક્ષ તરવરી રહ્યો. પણ આ રાવલ નદીમાં ઘોડાના એંઠા બાજરાની ઘૂઘરી ખાવાની વાત શી બની હતી? આપણે તુલસીશ્યામ છોડીને ત્યાં જ આવીએ છીએ. જંગલી બોર જમતા જમતા ઝાડીઓમાં થઈને અમે સહુ રોળ્યકોળ્ય દિવસ રહ્યે રાવલ નદીમાં આવ્યા. ભયંકર નદી, તમ્મર આવવા જેવું થાય એટલી ઉંચી ભેખડો, ભેખડોની ઉપર પણ ક્યાંક ક્યાંક ડુંગરા બેઠેલા, ભેખડોના પેટાળમાં ઝટાટોપ ઝાડી, બન્ને બાજુ એવી જમાવટ, વચ્ચે ચાલી જાય કોઈ વાર્તા માંહેની અબોલા રાણી જેવી રાવલ નદી. અમારા ઉંટ ઘોડા જ્યાં ડગલે ડગલે આવરદાની ઈતિશ્રી અનુભવતા ઉતર્યા ત્યાં એકસો વર્ષ પૂર્વે જોગીદાસ બહારવટીયાની અસલ કાઠીયાવાડી ઘોડીઓ હરણાંની માફક રૂમઝૂમતી ચાલી આવી હશે. સંધ્યાનો સમય, જોગીદાસ હાથપગ ધોઈ સૂરજના જાપ કરતો બેઠો, ઘોડીઓ મોકળી ચરવા લાગી, નાનેરા ભાઈ ભાણ ખુમાણની આંખો ઉઠેલી તેની ઉપર ચોપડવા માટે વાલ ટલું અફીણ પણ ચાળીસમાંથી એકેયના ખડિયામાં ન નીકળ્યું તેવા દોહ્યલા દિવસો, ચાળીસે ચાળીસ કાઠીને આઠ દિવસની લગભગ લાંઘણો. એમાં એક કાઠીએ ઘોડીઓના ચાળીસ પાવરા ખંખેર્યા, કોઈક દિવસ ઘોડીઓને જોગાણ મળ્યું હશે તે વખતે પાવરામાં ચોંટી રહેલ ઘોડીઓનો એંઠો ચપટી ચપટી જે બાજરો, તેને ઉખેડી, પલાળી, તાંસળીમાં બાફી ટેઠવા રાંધ્યા, ખોઈ ભરીને કાઠીએ મૂઠી મૂઠી સહુને વહેંચ્યું, ‘લ્યો, જોગીદાસ ખુમાણ, આ ટેંઠવા, મૂઠી મૂઠી સહુ ખાઈએ તો પેટમાં બબ્બે તાંસળી પાણીનો સમાવો થાય.’ સૌરાષ્ટ્રના ખંડેરો(ઝવેરચંદ મેઘાણી) માથી સાભાર
 
Powered by Gautam Kotila This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free